શિવ પુરાણ અનુસાર જાણો કળિયુગની કડવી વાસ્તવિકતા. સારા લોકો પણ કરશે આવા કામ.

હાલ કલિયુગ ચાલી રહ્યો છે એ તો તમે સૌ કોઈ જાણો છો. પરંતુ ક્યારેય એવો વિચાર આવે છે કે, કળિયુગની શરૂઆત જ આટલી ભયંકર છે તો તેનો અંત કેવો હશે ? એમ કહેવાય છે ને કે, પિક્ચર ‘અભી બાકી હે મેરે દોસ્ત.’ એટલે કે આરંભ જ આટલો ભયંકર છે તો આગળ જતા તેનો અંજામ કેવો હોય શકે, તેની કલ્પના જ ન થઈ શકે. પરંતુ માનવીએ સત્યને સ્વીકારવા સિવાય કોઈ ઉપાય નથી. 

મિત્રો, તમે કયારેય કલ્પના કરી છે કે, આટલું પાપ, અધર્મ, હિંસા શા માટે આ દુનિયામાં વધી રહ્યા છે. શા માટે લોકોમાં દ્વેષ, ઈર્ષા, ખોટું કરવાની ભાવના પ્રબળ થતી જાય છે. વાસ્તવમાં આ બધો કળિયુગનો પ્રભાવ છે. જે હિંસા રૂપે, અધર્મ રૂપે, દ્વેષ રૂપે બહાર આવે છે. લોકોનું મન હવે સીમિત થવા લાગ્યું છે. માત્ર લોકો પોતાનો જ સ્વાર્થ જ જોઈ રહ્યા છે. તેને બીજાનું અહિત કરવામાં જ રસ છે. લોકોનું ખરાબ કંઈ રીતે થાય બસ તેઓ એ જ વિચારી રહ્યા છે. 

આ બધાની વચ્ચે શું તમે એ જાણવા માંગો છો કે, કળિયુગ કેવો હશે. આપણા પુરાણોમાં અગાઉથી જ કળિયુગના લક્ષણો અંગે વાત કરવામાં આવી છે. જે અનુસાર જો કલિયુગની વાત કરવામાં આવે તો તમારા રુંવાડા બેઠા થઈ જશે. તો ચાલો જાણીએ કળિયુગ વિશે વિસ્તારથી. 

જેમ તમે જાણો છો કે, જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી ફરી જન્મ એવું ચક્ર ચાલે છે. તેમજ આ ચક્ર પણ ગોળ જ છે. એટલે કે યુગોનું ચક્ર પણ ગોળ છે. તેમ એક પછી એક યુગ ફરી આવે છે અને ફરી પરિવર્તન આવે છે. હિંદુ ધર્મ અનુસાર આ યુગને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ ચાર યુગ કરવામાં આવ્યા છે. હાલ તો કળિયુગનો સમય ચાલી રહ્યો છે. કહેવાય છે કે હજુ તો કળિયુગનું પહેલું ચરણ જ ચાલી રહ્યું છે.

કળિયુગ અંગે આપણા પુરાણોમાં ઘણું વર્ણન કરવામાં આવ્યું છે. આજે આપણે જાણીશું કે, શિવ પુરાણ અનુસાર કેવો હશે કલિયુગ. જ્યારે ઘોર કળિયુગનો પ્રારંભ થશે ત્યારે લોકો પુણ્યકર્મથી દુર રહેશે, પાપ કરતા તે અચકાશે નહિ. બધા જ લોકો સત્યના માર્ગેથી દુર થઈ જશે. 

કળિયુગમાં માનવી બીજાની નિંદા કરવામાં આગળ રહેશે. બીજાના ધનને પોતાનું કરવામાં દરેક પ્રયત્નો કરશે. તેમનું મન પણ બીજી સ્ત્રીઓમાં આસક્ત રહેશે. મનુષ્યથી લઈને તે પ્રાણીઓની હિંસા કરતા અચકાશે નહિ. દરેકની હત્યા કરવી તે તેના માટે સામાન્ય બાબત થઈ જશે. પોતાના શરીરને જ આત્મા સમજશે, પશુ બુદ્ધિ સમાન તેની બુદ્ધિ થઈ જશે. પોતાના માતા-પિતા પર જ અત્યાચાર કરશે. 

આ યુગમાં બ્રહ્મણો પણ લોભવૃતિના થઈ જશે. વેદ કે પોતાનું જ્ઞાન વેંચીને પોતાનું જીવન ચલાવશે. તેમજ ધન મેળવવા માટે તેઓ વિદ્યાનો અભ્યાસ કરશે. લોકો પોતાની જાતી અનુસારના કર્મ છોડી દેશે. બીજા લોકોને છેતરવામાં રસ લેશે. ત્રણેય સમયની સંધ્યા ઉપાસનાથી દુર રહેશે. અને બ્રહ્મજ્ઞાનથી શૂન્ય રહેશે. સમસ્ત ક્ષત્રીય પણ પોતાના ધર્મનો ત્યાગ કરી દેશે. તેમનાંમાં શૌર્યનો અભાવ હશે. લોકો ચોરી કરીને જ પોતાનું જીવન ચલાવશે. દરેક લોકો માત્ર દ્વેષ વૃતિ અને ઈર્ષ્યા વૃતિથી ભરપુર હશે. 

આવી રીતે શુદ્ર પણ પોતાની કર્મવૃતિનો ત્યાગ કરી દેશે. તેમની આકૃતિ ઉજ્જવળ રહેશે. એટલે કે પોતાના કર્મ છોડીને ઉજ્જવળ પરિવાર ધારણ કરીને લોકોનું મન આકર્ષી લેશે. તેઓ સ્વાભાવિક રીતે જ પોતાનો ધર્મ ત્યાગવામાં સમર્થ રહેશે. તેમના વિચારો ધર્મથી પ્રતિકુળ રહેશે. જો તેઓ ધનવાન હશે તો કુકર્મમાં લાગી જશે. જ્યારે તેઓ વિદ્વાન હશે તો વાદ-વિવાદમાં લાગી જશે. તેમજ લોકો કળિયુગમાં ચારેય વર્ણને ભૂલીને અંદરો અંદર વિવાહિત જીવન જીવશે. 

આમ આવા લોકો પોતાની સમસ્ત કર્મવૃતિને છોડીને અહીતહી ફેલાઈ જશે. કળિયુગની સ્ત્રીઓ પોતાના પતિધર્મને ભૂલી પતિનું અપમાન કરવામાં માનશે. આ સિવાય પોતાના સાસુ-સસરા સાથે દ્વેષ કરશે તેમની સાથે દ્રોહ કરશે. કોઈ પણનો તેને ડર નહિ હોય. તેમજ મલીન ભોજન કરશે. તેમનો શીલ સ્વભાવ ખુબ જ ખરાબ થઈ જશે. 

શું મિત્રો તમને આ શિવ પુરાણમાં વર્ણિત બાબતો સત્ય સાબિત થતી દેખાય છે ? આજે ઠેર ઠેર આવો જ માહોલ જોવા મળે છે. લોકો પોતાની કર્મવૃતિ છોડીને દ્વેષ, ઈર્ષ્યામાં જ પોતાનું જીવન જીવે છે. કળિયુગ હોવાની આ નિશાની છે. 

Leave a Comment