ગરુડ પુરાણ અનુસાર મૃત્યુના 47 દિવસ સુધી આત્મા સાથે થાય છે કંઈક આવું.

મૃત્યુ જીવનનું એક એવું સત્ય છે જે અટલ છે. જે વ્યક્તિનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે. શ્રીમદ્દ ભગવત્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે, આત્મા એક નિશ્ચિત સમય બાદ એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરને ધારણ કરે છે. જો કે શરીર તો નાશવંત હોય છે પરંતુ આત્મા અમર હોય છે. આ સાંભળતાની સાથે મનમાં એક પ્રશ્ન થાય છે કે, જો શરીર નાશંવત છે અને આત્મા અમર છે તો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને શરીરને અગ્નિદાન આપવામાં આપવામાં આવે, ત્યાર બાદ આત્મા ક્યા જાય છે ? આત્માનું શું થાય છે ? તો આવો જાણીએ મૃત્યુ બાદ આત્માનું શું થાય છે ? જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ ગરુળ પુરાણ આ પ્રશ્નનો જવાબ આપેલો છે. ગરુળ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુના કેટલા દિવસ બાદ આત્મા યમલોક પહોંચે છે, તથા રસ્તા તેને કેવી યાતના સહન કરવી પડે છે. તો તમને પ્રથમ જણાવી દઈએ કે, મૃત્યુ બાદ એક આત્માની યમલોક સુધીની યાત્રામાં 47 દિવસ લાગે છે. 

ગરુડ પુરાણ અનુસાર, એક દિવસ ગરુડ વિષ્ણુ ભગવાનને સવાલ કરે છે કે, ‘પ્રભુ મૃત્યુ બાદ આત્માનું શું થાય છે ?’ ત્યારે ભગવાન નારાયણ કહે છે કે, ‘મૃત્યુ બાદ 47 દિવસ સુધી આત્મા તે સ્થળની આસપાસ જ રહે છે. ઘણી યાતના સહન કર્યા બાદ તે યમલોક સુધી પહોંચે છે. હે…ગરુડ, જ્યારે કોઈ જીવનું મૃત્યુ નજીક આવે છે ત્યારે સૌથી પહેલા તેનો અવાજ જતો રહે છે અને જ્યારે તેનો અંતિમ સમય આવે છે ત્યારે તેને દિવ્ય દ્રષ્ટિ મળે છે. આ દિવ્ય દ્રષ્ટિ મળ્યા બાદ મનુષ્ય સમગ્ર સંસારને એક સમાન જોવા લાગે છે. અંત સમય આવે ત્યારે યમલોકથી બે યમદૂતો આવે છે. તેને જોઇને આત્મા હા..હા કરવા લાગે છે અને શરીરમાંથી આત્મા નીકળી જાય છે. જેમ આત્મા શરીર છોડે છે. તેમ તરત જ યમદૂત જીવઆત્માના ગળામાં દોરડુ બાંધીને તેને યમલોક લઇ જાય છે.’ 

ગરુડપુરાણ પ્રમાણે જીવઆત્મા પવિત્ર હોય ત્યારે દેવ જાતે તેમના વાહન પર જીવઆત્માને લેવા આવે છે. પરંતુ જો આત્મા પાપી હોય તો તેણે અંધારાના રસ્તા પર જવું પડે છે. પાપી આત્માને યમલોક પહોંચ્યા બાદ અનેક પ્રકારની યાતના આપવામાં આવે છે. પછી તે જ દિવસે તેને પાછા તે જ સ્થળે છોડી દેવામાં આવે છે. આત્મા પોતાના શરીરને જોઇને તેમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે. પરંતુ યમદુત્તે બાંધેલા હોવાના કારણે તે એવું ન કરી શકે. આત્મા પોતાના શરીર સાથે થતી અંતિમ ક્રિયા પોતાની આંખોથી જુએ છે. આત્મા 12 દિવસ સુધી ત્યાં જ રહે છે. 12 દિવસ બાદ 13 માં દિવસે જ્યારે પિંડદાન કરવામાં આવે ત્યારે તે આત્માને યમદૂત ફરી તેને લેવા આવી જાય છે. તેથી જ હિંદુ ધર્મમાં 13 માં દિવસે મૃત્યુ પામેલી વ્યક્તિના પિંડદાન કરવા જરૂરી છે. આમ કરવાથી તેને યમલોક સુધી પહોંચવામાં આત્માના સુક્ષ્મ શરીરને શક્તિ મળે છે.

આ બાદ પણ આત્માનો યમલોક સુધીનો સફર તો કઠિન જ હોય છે. પહેલા આત્માએ અગ્નિની નદી પસાર કરવી પડે છે. જો આત્માએ પોતાના જીવનકાળ દરમિયાન ગૌદાન કર્યુ હશે તો ગાયની પુછડી પકડીને તે સરળ રીતે આ નદી પાર કરી શકે છે. નહીં તો તેણે યાતના સહન કરીને આ અગ્નિ નદી પાર કરવી પડે છે. આ અગ્નિ નદીને ગરુડ પુરાણમાં ગંગા નદીનો રૌદ્ર રૂપ કહેવામાં આવ્યું છે, તેમાંથી સતત અગ્નિ લહાવા જ નીકળતુ હોય છે. આ નદીમાંથી પસાર થતી વખતે આત્માએ ઘણા ખતરનાક જીવોનો સામનો પણ કરવો પડે છે. જે તેને હાનિ પહોંચાડે છે. 

આ નદી પસાર કરતા આત્માને 34 દિવસનો સમય લાગે છે. ત્યાર બાદ તે યમલોક પહોંચે છે. યમલોક પહોંચ્યા બાદ તેને તેના કર્મો પ્રમાણે સજા સંભળાવવા માટે તેને નર્કમાં લઈ જવામાં આવે છે. શ્રીમદ્દ ભગવત્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ ધર્મના રસ્તા પર ચાલવાનું કહ્યું છે અને સારા કર્મ કરવાનું સુચન આપ્યું છે. તે જ જીવનનો સૌથી મોટો બોધ છે. 

જો તમે મૃત્યુ બાદ આ પ્રકારના કષ્ટોમાંથી પસાર થવા ન ઇચ્છતા હો, તો હંમેશા આપણાથી મોટા-નાના વ્યક્તિ સાથે સારું વર્તન કરો. ગૌદાન કરો- ગાયની સેવા કરો. માતા-પિતાની સેવા કરો, વડિલોને માન આપો, ખોટું ન બોલો, ક્યારેય કોઈનું ખરાબ ન કરો. હંમેશા યાદ રાખો કે તમે જો સારા કર્મો કરશો તો તમને મૃત્યુ બાદ ઓછી યાતના ભોગવવી પડશે. 

જો તમે જીવનમાં ખોટું કાર્ય કરશો કે કોઈથી ખોટું બોલશો, ચોરી કરશો, પ્રાણીઓને મારશો, કોઈનું અપમાન કરશો, મનમાં દ્વેશ-ઇર્ષા ભાવ રાખશો. તો તેનાથી તમને મૃત્યુ બાદ તેનું ફળ ભોગવવું પડશે. કારણ કે મૃત્યુ બાદ જે પીડા થશે તે ભોગવવા માટે તમારી સાથે કોઈ જ નહીં હોય. તેથી જીવનમાં હંમેશા સારા કર્મો કરો. સારા કર્મો કરશો તો મૃત્યુ બાદ યમલોક સુધી પહોંચવામાં તમને પીડા ભોગવવી નહીં પડે. 

નોંધઃ 47 દિવસ બાદ યમલોક પહોંચ્યા બાદ ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિ પોતાના જીવનમાં કરેલા કર્મોની ગણતરી કરવામાં આવે છે. ત્યાર બાદ તેના કર્મ અનુસાર તેને સજા સંભળાવવામાં આવે છે. વધુ જાણકારી માટે નીચે વિડીયોની લિંક પણ મુકવામાં આવી છે.

Leave a Comment