દ્રોપદીએ ભીમના હાથે કરાવ્યો કિચકનો વધ, તેની પાછળ હતું અભદ્ર કારણ.

હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથોમાંથી એક ગ્રંથ મહાભારત છે. જેના દ્વારા સાચો ધર્મ શું છે ? તથા અધર્મનો સાથ આપવાથી શું સ્થિતિ આવે ? તેનું જ્ઞાન આ ગ્રંથ દ્વારા આપવામાં આવ્યું છે. મહાભારતમાં બે પિતરાઈ ભાઇઓ વચ્ચે ચોખઠા બાજીની રમત જુગારનું સ્વરૂપ ધારણ કરે છે. અંતે રાજપાઠની સાથે પત્નીને પણ દાવ પર લગાવવામાં આવે છે. બધુ હારી ગયા બાદ ઘરના વડિલો તથા ભરેલી રાજસભામાં કૌરવો દ્વારા પાંડવોની પત્ની દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરીને અપમાન કરવામાં આવે છે. ત્યાર બાદ આત્મસન્માન માટે અને અધર્મને હરાવવા માટે પાંડવો વચ્ચે કૌરવોનું યુદ્ધ થાય છે. 

આ મહાભારતમાં અનેક વાર્તા સમાયેલી છે. તેમાંથી એક ઘટનાની આજે આ લેખમાં તમને જણાવશું. પાંડવો કૌરવો સામે રાજપાઠ હારી ચુક્યા બાદ તેમને 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ આપવામાં આવ્યો હતો. અજ્ઞાત વાસમાં જો પાંડવો કે દ્રૌપદીને કૌરવો કે તેમની સેના શોધી કાઢશે તો તેઓએ ફરી 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાત વાસ ભોગવવો પડશે. 

12 વર્ષનો વનવાસ પૂર્ણ કર્યા બાદ અજ્ઞાતવાસ માટે પાંડવો દ્રૌપદી સાથે વિરાટ નરેશને ત્યાં પહોંચે છે. ત્યાં તેઓ નામ બદલીને 1 વર્ષ માટે આશરો લે છે. મોટા ભાઈ યુદ્ધિષ્ઠિર વિરાટના મંત્રી કંક બન્યા, તો ભીમ વલ્લભના નામે રસોઇયો બનીને રસોડું સંભાળે છે. અર્જુન બૃહનલા નામના કિન્નર બનીને રાજાની દીકરીને નૃત્ય શીખવે છે. તો બીજી તરફ નાના ભાઈઓ નકુલ અને સહદેવ તાંતિપાલ તથા ગ્રાંથિકના નામે ગૌશાળા – અશ્વશાળા સંભાળે છે. અંતે દ્રૌપદીની વાત કરીએ તો તે સૈલેન્દ્રીના નામે મહારાણીની સેવિકાનું કામ કરે છે. પાંડવો રાજા વિરાટની રાજધાનીમાં પોતાનું જીવન વિતાવી રહ્યાં હતા. ચિત્રસેને અર્જુનને જે નૃત્યકલા શીખવી હતી તેનો ઉપયોગ તેણે અહીં ખુબ જ કામ લાગ્યો હતો. અર્જુન રાજકુમારી ઉત્તરાને સંગીત અને નૃત્ય શીખવી રહ્યાં હતા. દ્રૌપદી પણ મહારાણીની દાસીમાં સામેલ થઈ ગઈ હતી. 

વિરાટ રાજાના પ્રધાનમંત્રી તરીકે કિચક હતો. જે તેમના પત્નીનો ભાઈ પણ હતો. સમગ્ર સેના તેના હેઠળ હતી. તે ઉપરાંત કિચક પોતે એક શક્તિશાળી યૌદ્ધામાંથી એક હતો. કિચક જેવા જ તેના 101 ભાઈ બીજા હતા. આ કારણથી કિચક રંગીન મિજાજનો બની ગયો, તે હંમેશા પોતાની મનમાની જ કરતો હતો. રાજા વિરાટનો પણ તેને કોઈ ડર કે સંકોચ ન હતો. બદલામાં રાજા જ કિચકથી દબાયેલા રહેતા હતા. કિચકના અનુચિત વ્યવહાર કર્યા બાદ પણ તે તેને કંઈ કહી શકતા ન હતા. 

એક વખત રાજમહેલમાં કિચકની નજર સૈલેન્દ્રી પર પડી, ત્યારે તેને કામવાસનાની ઈચ્છા થઈ ગઈ. તે સૈલેન્દ્રી એકલી હોય એ રાહમાં રહેવા લાગ્યો, અને તે સૈલેન્દ્રીને એકલા મળવા ઈચ્છતો હતો. બીજી તરફ દ્રૌપદી પણ કિચકના દુષ્ટ વિચાર જાણી ગઈ હતી. પહેલા તો સૈલેન્દ્રીએ કિચકને સમજાવ્યો કે હું પતિવ્રતા સ્ત્રી છું. હું મારા પતિ સિવાય અન્ય કોઈ પુરુષ સાથે કામવાસના કરવાની ઈચ્છા ધરાવતી નથી. તેથી તું તારો વિચાર છોડી દે. પરંતુ કિચક આ વાત ન માન્યો. 

એક વખત સૈલેન્દ્રી કોઈ કામથી કિચકના રૂમમાં ગઈ ત્યારે કિચકે તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો, ત્યાંથી ભાગીને સૈલેન્દ્રી રાજસભામાં પહોંચી ગઈ. ત્યાં કિચકે પહોંચીને ભરી સભામાં જ સૈલેન્દ્રીના વાળ પકડીને તેને જમીન પર ધક્કો મારી દીધો. આ બધુ જોતા પણ રાજા કિચકના ભયથી ચુપ રહ્યા હતા. 

દ્રૌપદી સમજી ગઈ હતી કે કિચકના ડરથી રાજા પણ તેની કોઈ મદદ નહીં કરી શકે. તેથી તે પોતાની વ્યથા લઈને ભીમ પાસે ગઈ અને ભીમને વિગતે બધી વાત કરી. ભીમના કહ્યા પ્રમાણે સૈલેન્દ્રીએ કિચક સાથે પ્રસંશા પુર્વક વાતો કરી અને તેને રાત્રે એકલા મળવા નૃત્યશાળામાં આમંત્રિત કર્યો. સૈલેન્દ્રી સાથે કામવાસનાની પુર્તિ કરવાના ઉત્સાહમાં કિચક જ્યારે નૃત્યશાળામાં પહોંચ્યો, ત્યારે ભીમ સૈલેન્દ્રીની સાડી ઓઢીને સુતો હતો. આ જોઈને કિચક બોલ્યો, ‘પ્રિય હું તારી ઉપર ખુબ જ મોહિત થઈ ગયો છું. મારું સર્વસ્વ તારી ઉપર ન્યોછાવર કરું છું. તું હવે ઉઠ અને મારી નજીક આવી જા’. કિચકના મોંઢેથી આ શબ્દો સાંભળીને ભીમ ખુબ જ ગુસ્સે થયો અને ઓઢેલી સાડી કાઢીને કિચકની સામે આવ્યો અને કહ્યું, ‘હે પાપી તું સૈલેન્દ્રીને નહીં, પરંતુ પોતાના મૃત્યુને બોલાવી રહ્યો છે. તને તારા કર્મોનું ફળ આપવાનો સમય આવી ગયો છે.’ આમ કહીને ભીમે કિચકને માર મારવાનું શરુ કર્યું. 

એક તરફ ભીમ કિચકને મારી રહ્યો હતો. તે અવાજ બહાર ન જાય તે માટે થઈને બૃહન્લા ઢોલ વગાડી રહી હતી. ભીમે કિચને ખુબ માર મોર્યો અને તેનું મોત થયું. ત્યાર બાદ ભીમે દ્રૌપદીને પણ કહ્યું કે, જો મેં કિચકનો શું હાલ કર્યો છે. કિચકના મૃત્યુના સમાચાર લઇને ભીમ અને દ્રૌપદી અર્જુન પાસે ગયા. ત્યાર બાદ અર્જુને ઢોલ વગાડવાનું બંધ કર્યું અને ત્રણેય પોતાના કક્ષમાં જઇને સુઈ ગયા. 

બીજા દિવસે ભરેલી સભામાં દ્રૌપદીએ જ કિચકના મૃત્યુના સમાચાર આપ્યા અને કહ્યું કે, જો મારી સાથે ખોટું કરવા પર શું થશે. પરંતુ કિચકના ભાઈઓએ સૈલેન્દ્રીને બંધી બનાવી અને કિચકની સાથે અર્થી પર બાંધી દીધી. દ્રૌપદીની આ હાલત જોવાતી ન હતી, પરંતુ અજ્ઞાતવાસના કારણે તે પોતાના અસલી રૂપમાં પણ આવી શકતા ન હતા. છેવટે ભીમે વૃક્ષ ઉખાળીને કિચકના ભાઇઓને મારવાનું શરુ કર્યું. અમુક ભાઈઓ મરી ગયા અને જે બચ્યા તે પોતાના પ્રાણ બચાવીને ત્યાંથી ભાગી નિકળ્યા હતા. પછી દ્રૌપદીને ભીમે મહેલમાં જવા કહ્યું અને પોતે પણ સ્નાન કરીને પાછો પોતાના સ્થાને પહોંચી ગયો. 

કિચક અને તેના ભાઈઓનો વધ થતા જોઇને રાજા વિરાટ સહિત રાજ્ય સભાગણ સૈલેન્દ્રીથી ભયભીત રહેવા લાગ્યા હતા. કિચક અને તેના ભાઈઓના મૃત્યુના સમાચાર આગની જેમ ફેલાવવા લાગ્યા હતા. 

મહાભારતની દરેક વાર્તા માંથી કોઈને કોઈ બોધ મળે છે. આ વાર્તામાંથી એ બોધ મળે છે જ્યારે પરસ્ત્રી પર ખરાબ નજર કરવામાં આવે તો તે વ્યક્તિની હાલત પણ કિચક જેવી જ થાય છે. હંમેશા પરસ્ત્રીનું સન્માન કરવું જોઈએ તથા કોઈ પણ સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ તેને સ્પર્શ ન કરવું જોઇએ. આ અધર્મનો જ ભાગ છે.   

Leave a Comment