રામાયણમાં લક્ષ્મણ પાસે હતી અદ્દભુત શક્તિ, તેની ક્ષમતાથી શ્રી રામ પણ હતા અજાણ.

લક્ષ્મણજી, આ નામ સાંભળતા જ એક આજ્ઞાકારી ભાઈ, પુત્ર સમાન દિયર તથા એક આદર્શ વ્યક્તિની છબી આપણા મનમાં આવી જાય છે. લક્ષ્મણજીના સ્વભાવની વાત કરીએ તો ખુબ જ સારી ધનુર વિદ્યા જાણતા હતા, તે સાથે થોડો ક્રોધી સ્વભાવ પણ ધરાવતા હતા. પોતાના ભાઈ શ્રીરામની વાત આવે ત્યારે પોતાના પ્રાણની પણ ચિંતા ન કરતા. જો તેમના માતા-પિતાની વાત કરીએ તો રાજા દશરથ અને તેમની સૌથી નાની એટલે કે ત્રીજા નંબરની રાણી સુમિત્રાના પુત્ર હતા. બાળપણથી જ માતા તથા પિતા પાસેથી તેમને મોટા ભાઈની આજ્ઞા માનવાનું તથા તેમની સેવા કરવાની સાથે તેમની છબી બનવાની જ શીખ મળી હતી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, શ્રી રામજી ભગવાન વિષ્ણુના અને લક્ષ્મણજી શેષનાગના અવતાર માનવામાં આવે છે. તેથી જ લક્ષ્મણીજીને ખુબ જ શક્તિશાળી પણ માનવામાં આવે છે. તો આવો જાણીએ તેમની શક્તિ તથા પ્રતિભા વિશે…

વનવાસના 14 વર્ષ બાદ, જ્યારે ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા, ત્યારે અગસ્ત્ય ઋષિ તેમને મળવા આવ્યા અને લંકા યુદ્ધની ચર્ચા શરૂ થઈ. ભગવાન રામે તેમને કહ્યું કે, કેવી રીતે લક્ષ્મણજીએ રાવણ અને કુંભકર્ણ જેવા અગ્રણી નાયકોનો વધ કર્યો હતો. તે સાથે જ લક્ષ્મણે ઇન્દ્રજિત અને અતિક્ય જેવા ઘણા શક્તિશાળી અસુરોનો પણ વધ કર્યો હતો. ત્યારે અગસ્ત્ય ઋષિએ કહ્યું, ‘બિલકુલ રાવણ અને કુંભકર્ણ ખુબ જ બહાદુર હતા, પરંતુ સૌથી મોટો અસુર મેઘનાદ (ઇન્દ્રજિત) હતો. તે સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્ર સાથે લડ્યો અને તેને બાંધીને લંકા લઈ આવ્યો. જ્યારે બ્રહ્માએ મેઘનાદને છોડવાનું કહ્યું, ત્યારે ઇન્દ્ર મુક્ત થયા હતા. લક્ષ્મણે સૌથી શક્તિશાળી વ્યક્તિનો વધ કર્યો, તેથી તે મહાન યોદ્ધા બન્યો.

ભગવાન રામ અગસ્ત્ય ઋષિ પાસેથી તેમના ભાઈની બહાદુરી સાંભળીને આનંદિત થયા, પરંતુ તેમને આતુરતા હતી કે, કેમ અગસ્ત્ય ઋષિ એમ કહેતા હોય છે કે, રાવણ કરતાં ઇન્દ્રજિતનું વધ કરવું વધુ મુશ્કેલ હતું ? ભગવાન રામની જિજ્ઞાશાને શાંત કરવા માટે, અગસ્ત્ય ઋષિએ કહ્યું, “તે ઇન્દ્રજિતનો આશીર્વાદ હતો કે, જે કોઈને 12 વર્ષ સુધી સૂતો ન હોય, 12 વર્ષ સુધી કંઈ ખાધું ન હોય, તથા જેણે 12 વર્ષ સુધી કોઈ સ્ત્રીનો ચહેરો જોયો ન હોય તે જ તેની હત્યા કરી શકશે. અગસ્ત્ય ઋષિના શબ્દો સાંભળીને ભગવાન રામે કહ્યું, “હું વનવાસના સમયગાળા દરમિયાન 14 વર્ષ નિયમિત લક્ષ્મણના ભાગના ફળ અને ફૂલો તેને આપતો હતો.”

“હું સીતાની સાથે ઝૂંપડીમાં રહેતો હતો, ત્યાં બાજુમાં આવેલી ઝૂંપડીમાં લક્ષ્મણ રહેતો હતો, તેથી તેણે સીતાનો ચહેરો પણ જોયો ન હતો અને 12 વર્ષ સુધી સુતો પણ ન હતો. આ કેવી રીતે શક્ય છે ?” લક્ષ્મણને બોલાવવામાં આવ્યો અને તે વિશે પૂછવામાં આવ્યું. તે પછી, તેણે જવાબ આપ્યો કે, “જ્યારે અમે પર્વત પર ગયા ત્યારે સુગ્રીવે અમને માતા સીતાના ઘરેણાં બતાવીને ઓળખવા કહ્યું. હું માતાના પગ પર નૂપુર સિવાય કોઈ ઘરેણાં ઓળખી શક્યો નહીં, કેમ કે મેં તેની તરફ ક્યારેય જોયું જ ન હતું. જ્યારે તમે અને દેવી સીતા ઝૂંપડામાં સૂતા હતા, ત્યારે હું આખી રાત બહાર તમારી રક્ષા કરતો હતો. જ્યારે નિંદ્રાએ મારી આંખોને પકડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે મેં મારી તીરથી આંખો બંધ કરી લીધી.પછી લક્ષ્મણે 12 વર્ષ ભૂખ્યા રહેવા વિશે કહ્યું, “તમે જે ફળ અને ફૂલો લાવતાં હતાં તેમાંથી તમે 3 ભાગ કરતા અને તેમાંથી મને એક ભાગ આપતા – આ ફળ લક્ષ્મણ તું રાખ. તમે ક્યારેય મને ફળ ખાવાનું કહ્યું નહિ. તો પછી હું તેને તમારી આજ્ઞા વિના કેવી રીતે ખાઈ શકું ? લક્ષ્મણની આ વાતો સાંભળીને ભગવાન શ્રી રામે તેમને ભેટી પડ્યા, તે જ કારણ હતું કે, આ કઠોર વ્રતને કારણે, તે મેઘનાથનું વધ કરવાની હિંમતવાન કૃત્ય કરી શક્યા અને બહાદુર યોદ્ધા તરીકે ઓળખાયા હતા.  ઉલ્લેખનીય છે કે, 12 વર્ષ સુધી ઉપવાસ કરવો ખરેખર શક્તિશાળી વ્યક્તિનું કાર્ય છે. તેથી ભારતવર્ષમાં શક્તિશાળી મહાનુભાવોની વાત કરવામાં આવે ત્યારે રઘુનંદન લક્ષ્મણજીની વાત જરૂર થાય છે. 

Leave a Comment