PubG સહિત આ 275 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની મોદી સરકારની તૈયારી.

ભારત અને ચીન વચ્ચે સરહદની તંગદિલી દરમિયાન ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મુક્યો ત્યાર બાદ વધુ 275 ચાઈનીઝ એપ્સનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ એપ્સની રાષ્ટ્રીય સુરક્ષા અને યુઝર્સની પ્રાઈવસીના ઉલ્લંઘન સંદર્ભે તપાસ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર, નવી લિસ્ટમાં ગેમિંગ એપ્લિકેશન PubG પણ સામેલ છે. આ સિવાય દિગ્ગજ ઈ-કૉમર્સ અલીબાબાના અલી એક્સપ્રેસની એપ રેસ્સો અને U Like પણ તેમાં સામેલ છે. સરકારના લિસ્ટમાં સામેલ તમામ એપ્સને ભારતમાં બેન કરી શકે છે. જો કે કોઈ ગેરરીતિ સામે નહીં આવે, તો કોઈ પણ એપ્સ પર પ્રતિબંધ નહીં મૂકાય.

આ મામલે ગૃહ મંત્રાલય દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જો કે સુત્રોએ જણાવ્યું છે કે, વધુમાં વધુ ચાઈનીઝ એપ્સની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે અને તેના ફંડિંગની પણ તપાસ ચાલી રહી છે. જેમાંથી કેટલીક એપ્સને સુરક્ષાના કારણોસર જોખમી ગણાવામાં આવી છે. જ્યારે કેટલીક અન્ય એપ્સને ડેટા શેરિંગ અને પ્રાઈવસીના ઉલ્લંઘન સંદર્ભે અલગ લિસ્ટ કરવામાં આવી છે.

એક અંદાજ અનુસાર, ભારતમાં ચીની ઈન્ટરનેટ કંપનીઓના અંદાજે 30 કરોડ યુનિક યુઝર્સ છે. ઉલ્લેખનીય છે કે, હાલ ભારત-ચીન વચ્ચેના સબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચેની હિંસક ઝડપમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જ્યારે ચીનને પણ વ્યાપક નુક્સાન થયું હતું. જો કે ચીને તેની સત્તાવાર કોઈ જાહેરાત કરવાનું ટાળ્યું હતું.

આ ઘટના બાદ ભારતના લોકોમાં ચીન પ્રત્યેનો આક્રોશ ચરમ પર છે. દેશમાં લોકો ચાઈનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરી રહ્યાં છે. થોડા દિવસો પહેલા મોદી સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેમાં સૌથી પૉપ્યુલર TikTok, Helo ઉપરાંત અલીબાબાની UCWeb અને UC News જેવી લોકપ્રિય એપ્લિકેશનો પણ સામેલ હતી. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર મોબાઈલ એપ્સને લઈને આકરા નિયમો બનાવી રહી છે. જે એપ્સ સુરક્ષાના માપદંડો પર ખરી નહીં ઉતરે, તેના પર પ્રતિબંધ મૂકાવાનું જોખમ રહેશે. એટલે કે, એવી પણ માહિતી છે કે, જો કોઈ ખામી નહીં મળે તો એપને ચાલુ રાખવામાં આવશે.

સૂત્રો મુજબ સરકાર દ્વારા ચીની એપ્સનું સતત રિવ્યૂ લેવામાં આવી રહ્યું છે અને જાણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે કે, તેને ફંડિંગ ક્યાંથી મળી રહ્યું છે. સાથે સુરક્ષા માટે આ એપ્સ જોખમી તો નથી ને ? તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. તે સાથે ચેક કરવામાં આવી રહ્યું છે કે, આ એપ્સ ડેટા શેરિંગ અને પ્રાઈવસીના નિયમોનું ઉલ્લંઘન તો નથી કરી રહી. સરકાર સાઈબર સિક્યોરિટીને વધુ મજબૂત બનાવવા માટે જલદી નવા નિયમ પણ બનાવી શકે છે.

Leave a Comment