રેલ્વેનો જાદુ : વીજળી બચાવવા માટે કરી અનોખી પહેલ, વર્ષે બચી જશે આટલા લાખનું બીલ.

ક્યારેય સાંભળ્યું કે જોયું ન હોય તેવું કંઈ સાંભળવામાં કે જોવામાં આવે તો ઘણું અનોખું લાગે છે. તેમાં પણ જો કંઈ હિત છુપાયેલું હોય તો તે શ્રેષ્ઠ લાગે. ભારતીય રેલ્વે દ્વારા કંઈક આવી જ અનોખી પહેલ કરવામાં આવી છે, અને જેના કારણે ભારતીય રેલ્વે ચર્ચામાં છે. આ વખતે પશ્ચિમ મધ્ય રેલ્વેએ ઉર્જા સંરક્ષણ માટે જે ટેક્નિક અપનાવી છે, તેને ટૂંક સમયમાં સમગ્ર દેશના રેલ્વે સ્ટેશન પર લાગુ કરવામાં આવશે.

 શ્ચિમ મધ્ય રેલ્વે ઝોન અંતર્ગત આવતા મધ્યપ્રદેશના ભોપાલ, જબલપુર અને નરસિંહપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર એવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે, ટ્રેન પ્લેટફોર્મ પર આવતાની સાથે જ 100% લાઈટ ચાલુ થઈ જાય છે અને ટ્રેન પ્લેટફોર્મની બહાર નીકળતાની સાથે જ 50% લાઈટ આપમેળે બંધ થઈ જાય છે. 

નાનાં સ્ટેશનો પર 30% અને મોટા સ્ટેશનો પર 50% લાઈટ ચાલુ રહે છે : રેલ્વેએ ઉર્જા સંરક્ષણના ઉદ્દેશથી આ પહેલ શરૂ કરી છે. પશ્ચિમ મધ્ય રેલ્વેના મુખ્ય જન સંપર્ક અધિકારી પ્રિયંકા દિક્ષિતના જણાવ્યા પ્રમાણે, અહીંના જી.એમ. શૈલેન્દ્ર કુમાર સિંહની પહેલ પર આ સિસ્ટમ પર કામ કરવામાં આવ્યું છે. અત્યારે તો નાનાં સ્ટોશનો પર સામાન્ય રીતે 30% લાઈટ ચાલુ રાખવામાં આવી રહી છે, તેમજ મોટા સ્ટેશનો પર 50% લાઈટ ઓન રહે છે. ટ્રેન આવે ત્યારે પ્લેટફોર્મની લાઈટ 100% ચાલુ થઈ જાય છે. અત્યારે આ વ્યવસ્થા ભોપાલ, જબલપુર અને નરસિંહપુર સ્ટેશનો પર કરવામાં આવી છે. ટૂંક સમયમાં અન્ય સ્ટેશનો પર પણ આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

 સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધી કામ કરે છે આ ઓટોમેટિક સિસ્ટમ : ભોપાલ રેલ્વે ડિવિઝનના ડી.આર.એમ. ઉદય બોરવણકરના જણાવ્યા મુજબ, ‘સ્ટેશન પ્લેટફોર્મ પર ટ્રેન ન હોવા છતાં પણ ઘણીવાર બધી જ લાઈટ ચાલુ રહે છે. તેનાથી વીજળીનો વપરાશ સતત ચાલું રહે છે. બિનજરૂરી વીજ વપરાશ ઓછો કરવા માટે રેલ્વેએ આ શરૂઆત કરી છે. તેના માટે પ્લેટફોર્મની લાઈટિંગ સિસ્ટમને હોમ અને સ્ટાર્ટર સિગ્નલની સાથે જોડવામાં આવી છે.’ 

 આમ, કરવાથી ટ્રેન જેવી સ્ટેશનના હોમ સિગ્નલ પર આવે છે તો બધી લાઈટ્સ ઓટોમેટિક ઓન થઈ જાય છે અને જેવી ટ્રેન પ્લેટફોર્મને ક્રોસ કરે છે અને ટ્રેનનો છેલ્લો કોચ સ્ટાર્ટર સિગ્નલને ટચ કરે છે, પ્લેટફોર્મની 50% લાઈટ્સ ઓફ થઈ જાય છે. આ વ્યવસ્થા સાંજે 6 થી સાવરના 6 વાગ્યા સુધી ચાલે છે.

ભોપાલ સ્ટેશનના એક પ્લેટફોર્મ પર 12 કલાકમાં 120 યુનિટ વીજળીની બચત થઈ રહી છે : રેલ્વેના જણાવ્યા પ્રમાણે, ભોપાલ રેલ્વે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર સાંજે 6 થી સવારના 6વાગ્યા સુધી 12 કલાકમાં લગભગ 200 યુનિટ વિજળીનો વપરાશ થાય છે, જે હવે ઘટીને 80 યુનિટ થઈ ગયો છે. રેલ્વેની આ પહેલથી એક પ્લેટફોર્મના વાર્ષિક બિલમાં લગભગ સાડા ત્રણ લાખ રૂપિયાનો ઘટાડો થશે. આ માત્ર એક રેલ્વે સ્ટેશનના એક પ્લેટફોર્મના બિલમાં થતી બચત છે, આ પહેલથી રેલ્વે સમગ્ર દેશના સ્ટેશનો પર કરોડો રૂપિયાની બચત કરવાની તૈયારી કરી રહ્યું છે.

Leave a Comment