માનવતાનું ઉદાહરણ : નવદંપત્તિએ કર્યા સાદાઈથી લગ્ન અને પાથર્યું ગરીબોના ઘરે અંજવાળું. જાણો કેવી રીતે ?

મિત્રો કોરોના વાયરસના કારણે દેશના મધ્યમ અને ગરીબ પરિવારોએ ખુબ જ સંઘર્ષ સહન કરવો પડ્યો છે. સંક્રમણ ન ફેલાય એ માટે લોકડાઉન દરમિયાન સંપૂર્ણ કામ અને રોજગાર પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાતના બોરસદ તાલુકાના એક ગામમાં એક નવદંપત્તિએ ગામના લોકોને જે રાહત આપી છે એ જાણીને તમને આ નવદંપત્તિના વખાણ કરવાનું મન થઈ જશે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી. 

આ સમયમાં આર્થિક મુશ્કેલીના કારણે લોકોને પોતાના જરૂરિયાતના ઘર ખર્ચમાં પણ સમસ્યાઓ આવી રહી છે. તો લોકો લાઈટ બીલ ભરવા માટે પણ વિચાર કરે એવો સમય છે. તો તેવામાં બોરસદ તાલુકાના ઝારોલા ગામમાં એક નવદંપત્તિએ સાદગી સાથે લગ્ન કર્યા અને અને ખર્ચની જે બચત થઈ એ રકમમાંથી લગભગ એક હજાર જેટલા ગરીબ પરિવારોમાં LED ટ્યુબલાઈટનું વિતરણ કર્યું હતું. એટલે કે આ નવદંપત્તિએ ગરીબ પરિવારોના જીવનમાં અંજવાળું પાથર્યું હતું અને માનવતાનું કામ કરીને લોકોની સેવા માટેનું એક નવું અને ઉત્તમ ઉદાહરણ બન્યા છે. 

આપણે બધા જ જાણીએ છીએ કે, જ્યારે દેશમાં કોરોના વાયરસને લઈને પહેલી વાર લોકડાઉન કરવામાં આવ્યું ત્યાર બાદ મોટાભાગના જાહેર કાર્યક્રમો, સામાજિક કાર્યો, લગ્ન પ્રસંગો પર રોક લાગી ગઈ હતી. પરંતુ લોકોડાઉનના ચરણ પુરા કર્યા બાદ અનલોક-1 માં લોકોને ઘણી છૂટછાટ મળી હતી. જેમાં લગ્ન જેવા પ્રસંગો માટે પણ પરવાનગી આપવામાં આવી હતી. જેમાં હાલમાં જ આણંદ જીલ્લાના બોરસદ તાલુકામાં ઝારોલા ગામમાં રહેતા ચંદ્રકાંતભાઈ સોમભાઈ પટેલના પુત્ર, જેનું નામ છે સચિન, તો સચિનના લગ્ન નિશાબેન સાથે થયા હતા. 

તો અનલોક-2 માં ખુબ જ માર્યાદિત લોકોની હાજરીમાં લગ્ન જેવા શુભ પ્રસંગો કરવા માટે અનુમતિ આપવામાં આવી છે. તો સચિનના લગ્ન પણ ખુબ જ અલ્પ સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં થયા હતા. તેમજ આ નવદંપત્તિએ આ લગ્ન ખુબ જ સાદગી સાથે કરવાનું વિચાર્યું હતું અને અન્ય ગરીબ પરિવારોના જીવનમાં રોશની આવે એવા વિચાર સાથે ગ્રામ્ય વિસ્તારના જે પરિવારો છે તેને વીજળીના ઉપકરણો આપવાનું આયોજન બનાવ્યું હતું. 

તો આ નવદંપત્તિએ તેના વિશે જણાવતા કહ્યું હતું કે, કોરોના વાયરસના આ ગંભીર સમયમાં ઝારોલા અને તેના વાડી વિસ્તારમાં આવેલ રાવપુરા અને ખેતરોમાં વસતા લગભગ 1000 હજાર જેટલા પરિવારોને LED ટ્યુબલાઈટ આપી છે. લોકડાઉનમાં લોકોના રોજગાર અને કામ ધંધા બંધ હોવાના કારણે વીજળીનું બીલ ભરવું એ ગરીબ પરિવારો માટે મુશ્કેલી બની ગઈ હતી. તેના વિશે વિચાર કરીને ઓછું બીલ આવે એ માટે આ નવદંપત્તિએ ગરીબ પરિવારોમાં ટ્યુબલાઈટનું વિતરણ કર્યું છે. 

Leave a Comment